Friday, May 13, 2016

પરબ : ઠંડાં પાણીનું કૂલર મુસાફર જનતાને અર્પણ

કાળઝાળ ગરમીમાં તરસ્યાંને પાણી : ખરેખર જળ એ જીવન તારીખ 12/05/16ના રોજ ડીસા ડૅપોના બસસ્ટેશન ખાતે મુસાફર જનતાની સેવામાં ડીસાના કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશન દ્વારા વોટરકૂલર મૂકાવવામાં આવ્યું. એક કલાકમાં ત્રણસો લીટર પાણીને ઠંડું કરતું કૂલર 75,000 રૂપિયાની કિંમતનું છે. પરબની આજુબાજુ રંગરોગાન તેમજ વૅાશબેસીનની સગવડ પણ ડીસાના દવાના વેપારીઓ દ્વારા કરી આપવામાં આવી. જેના અર્પણવિધિનો કાર્યક્રમ ડીસા એસટી બસસ્ટેશન ખાતે યોજાયો. જેમાં નિગમના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી દિનેશભાઈ અનાવાડિયા, કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ (નોર્થ ઝોન) શ્રી શંકરભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મિયાંજીભાઈ પોલરા, પાલનપુર વિભાગના વિભાગીય નિયામક શ્રી કમલ હસન, ડીસાના કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશનના પ્રમુખ શ્રી મોતીભાઈ આસનાની, મંત્રી શ્રી સુહાસભાઈ પટેલ અને મોટી સંખ્યામાં એસટીના કામદારો તેમજ કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યાં. આ ઠંડાં પાણીનું કૂલર અવિરત ચાલુ રહેશે જેની ડીસા ડૅપો વતી ખાતરી આપું છું. અને વોટરકૂલર ભેટ આપનાર ડીસાના કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશનનો ડૅપો વતી તહેદિલથી આભાર માનું છું.

બાળક એટલે ભવિષ્ય

ગામ આખોલ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાનો વતની આશરે સાતઆઠ વર્ષનો, પિતાની મારઝૂડથી કંટાળેલો, ઘરે પરત જવાનો સાફ ઇનકાર કરતો કરણ, ડીસા ડૅપોના બસસ્ટેશન ખાતે અવારનવાર જોવા મળતો. તેની વીતકકથા સાંભળ્યાં બાદ ચિલ્ડ્રન હેલ્પલાઈન નંબર 1098 પર સંપર્ક કરી, જિલ્લા બાળસુરક્ષા શાખા પાલનપુરનો સંપર્ક કરી,તેને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપ્યો.
તાત્કાલિક તારીખ 12/05/16ની સાંજે જિલ્લા બાળસુરક્ષાની ટીમ ડીસા ડૅપો ખાતે કરણ દશરથભાઈ ઠાકોરની મદદે આવી પહોંચી. અને ચિલ્ડ્રન હોમ ખાતે લઇ ગઈ.આશા રાખીએ કે આ બાળક આવતીકાલના ભારતનું ભવિષ્ય બને જ બને!

Tuesday, May 10, 2016

બ્લોગકારી : એસટી બસમાં મુસાફરી દરમિયાન 'ક્લિક' થયેલો વિચાર

સુજ્ઞ વાચકો, અહીં ડૅપોની ગતિવિધિને અને એની તરેહતાસીરને રજૂ કરવાનો એકમાત્ર ઉપક્રમ છે. આશા છે કે એ આપ સૌને પણ ગમશે જ ! અલબત્ત, એસટી ડૅપો વિશે કંઇક નવું જોયાજાણ્યાનો, વાંચ્યાનો આનંદ પ્રકટ કરશો તો મારો રાજીપો પણ બેવડાશે...