Sunday, October 9, 2016

એસટી કર્મીઓની જિંદાદિલી : હમ ભી ખૂન દે સકતે હૈ...

વાત રક્તદાન શિબિરની છે. એસટી કર્મીઓ ધારે તો આખી બ્લડબેંક ઊભી કરી જાણે તેમ છે; ધારે તોની વાત છે. જોકે રક્તદાનની નાનીમોટી શિબિરો યોજીને એસટી કર્મીઓ પરચા તો આપી ચૂક્યાં છે ને આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મુસાફર જનતા પણ શિબિરમાં સહયોગી થઈને રક્તદાનમાં પૂરો સહયોગ કરી જાણે છે. આ રહી તેની કેટલીક તસવીર... ફિલહાલ પ્રાસંગિક એવી વાત છે. 14મી એપ્રિલ 2015ના રોજ ડીસા ડૅપો ખાતે ડૅા. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજાણી, એસટી બોર્ડ ઓફ ડીરેક્ટર, શ્રી દિનેશભાઈ અનાવાડિયાનો સત્કારસમારંભ ને સાથોસાથ સ્વચ્છતા અભિયાન...ને નવીન રૂટને લીલીઝંડી અને રક્તદાન શિબિરનો સંગમ... કંઈક રચનાત્મક કાર્ય કર્યાંનો આનંદ...

Friday, September 30, 2016

શહીદ સૈનિકોને એસટી પરિવાર પાલનપુર વિભાગના લાખ લાખ સલામ !!!

સાથીઓ... જય ભારત સાથે જણાવવાનું કે, તાજેતરમાં કાશ્મીરના ઉરીમાં આતંકવાદી હૂમલામાં આપણા સૌની રક્ષા માટે પોતાનો જાન ન્યોછાવર કરી શહીદી વહોરનારા વીસ(આંકડો સત્તરથી વધી વીસ સુધી પહોંચ્યો છે)ભારતીય સૈનિકોને લાખ લાખ સલામ!!! આ નિમિત્તે સૈનિકોના કુટુંબીજનોને આર્થિક સહાય મળી રહે, તેવા શુભ આશય સાથે પાલનપુર એસટી વિભાગ દ્વારા શહીદ સૈનિકફાળો એકત્રિત કરવાનું આયોજન કર્યું. જેમાં પાલનપુર એસટી વિભાગ દ્વારા કુલ બે લાખ સિત્તોતેર હજાર રૂપિયાનો ફાળો પ્રાપ્ત થયો. જેમાં ડીસા ડૅપોએ પણ રૂપિયા એકતાળીસ હજારનું યોગદાન આપ્યું. સિદ્ધપુર ડૅપોએ તો અડધો લાખ રૂપિયાનો ફાળો નોંધાવ્યો. આ શુભકાર્ય માટે વિભાગીય કચેરીની અને વિભાગીય યંત્રાલયની તમામ શાખાઓ તેમજ ક્રેડીટ સોસાયટી પાલનપુર, તેમજ ડીસા, પાલનપુર, અંબાજી, થરાદ, સિદ્ધપુર, દિયોદર અને રાધનપુર ડૅપોના તમામ દેશદાઝ ધરાવતાં ડ્રાઈવર કંડક્ટર મિત્રો, મિકેનીકલ સ્ટાફ, વહીવટી સ્ટાફ, અધિકારીગણ તેમજ માન્ય ત્રણેય યુનિયનના કર્મશીલો તરફથી ખૂબ ખૂબ સહયોગ સહકાર પ્રાપ્ત થવા પામ્યો છે. આ ક્ષણે સૌનો ખૂબ ખૂબ આભાર.... શહીદ સૈનિકફાળાનો શુભ વિચાર પાલનપુર એસટી વિભાગના વડા શ્રી કમલ હસન સાહેબને સ્ફૂર્યો, તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી, દિનેશભાઈ અનાવાડિયા સાહેબનો પણ સાથસહકારને પ્રોત્સાહન મળવા પામ્યાં. તે બદલ તેઓશ્રીઓનો અને સહીયોગી સૌનો આભાર... આ પ્રાપ્ત થયેલાં સૈનિકફાળાને આપણાં પડોશી રાજ્ય રાજસ્થાનના રાજસમંદ(રાજવા)ના વતની અને ઉરી ખાતે શહીદ થયેલાં સૈનિકોમાંના એક: નિમ્બસિંહ એન. રાવતના કુટુંબીજનોને હાથોહાથ એસટીના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી અને પાલનપુર વિભાગના પ્રભારી ભરતભાઈ આર્ય સાહેબની આગેવાનીમાં, વિભાગીય નિયામકશ્રી, એસટી, પાલનપુર કમલ હસન સાહેબ તેમજ પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ જઈને સૈનિકફાળો શહીદ જવાનના સ્વજનોને અર્પણ કરવામાં આવ્યો. સદગત્ વીર શહીદના પરિવારમાં તેમનાં પત્ની રૂડીદેવી તેમજ ચાર દીકરીઓ અને છસાત વર્ષનો દીકરો છે. ઉલ્લેખનીય છે કે નિમ્બસિંહ રાવત તેર મહિના પછી નિવૃત્ત થવાના હતાં... આમ, રાજસ્થાન જનાર સમગ્ર પ્રતિનિધિમંડળનો પણ આ ક્ષણે દિલી આભાર માનું છું. આ શુભકાર્યમાં એસટીના સર્વે સાથીઓનો ખૂબ ખૂબ સહયોગ પ્રાપ્ત થવા પામ્યો, તે બદલ સૌનો આભાર...અને વીર શહીદોને લાખ લાખ સલામ ! https://www.youtube.com/watch?v=voWO4wlvTME

Friday, May 13, 2016

પરબ : ઠંડાં પાણીનું કૂલર મુસાફર જનતાને અર્પણ

કાળઝાળ ગરમીમાં તરસ્યાંને પાણી : ખરેખર જળ એ જીવન તારીખ 12/05/16ના રોજ ડીસા ડૅપોના બસસ્ટેશન ખાતે મુસાફર જનતાની સેવામાં ડીસાના કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશન દ્વારા વોટરકૂલર મૂકાવવામાં આવ્યું. એક કલાકમાં ત્રણસો લીટર પાણીને ઠંડું કરતું કૂલર 75,000 રૂપિયાની કિંમતનું છે. પરબની આજુબાજુ રંગરોગાન તેમજ વૅાશબેસીનની સગવડ પણ ડીસાના દવાના વેપારીઓ દ્વારા કરી આપવામાં આવી. જેના અર્પણવિધિનો કાર્યક્રમ ડીસા એસટી બસસ્ટેશન ખાતે યોજાયો. જેમાં નિગમના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી દિનેશભાઈ અનાવાડિયા, કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ (નોર્થ ઝોન) શ્રી શંકરભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મિયાંજીભાઈ પોલરા, પાલનપુર વિભાગના વિભાગીય નિયામક શ્રી કમલ હસન, ડીસાના કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશનના પ્રમુખ શ્રી મોતીભાઈ આસનાની, મંત્રી શ્રી સુહાસભાઈ પટેલ અને મોટી સંખ્યામાં એસટીના કામદારો તેમજ કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યાં. આ ઠંડાં પાણીનું કૂલર અવિરત ચાલુ રહેશે જેની ડીસા ડૅપો વતી ખાતરી આપું છું. અને વોટરકૂલર ભેટ આપનાર ડીસાના કૅમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશનનો ડૅપો વતી તહેદિલથી આભાર માનું છું.

બાળક એટલે ભવિષ્ય

ગામ આખોલ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાનો વતની આશરે સાતઆઠ વર્ષનો, પિતાની મારઝૂડથી કંટાળેલો, ઘરે પરત જવાનો સાફ ઇનકાર કરતો કરણ, ડીસા ડૅપોના બસસ્ટેશન ખાતે અવારનવાર જોવા મળતો. તેની વીતકકથા સાંભળ્યાં બાદ ચિલ્ડ્રન હેલ્પલાઈન નંબર 1098 પર સંપર્ક કરી, જિલ્લા બાળસુરક્ષા શાખા પાલનપુરનો સંપર્ક કરી,તેને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપ્યો.
તાત્કાલિક તારીખ 12/05/16ની સાંજે જિલ્લા બાળસુરક્ષાની ટીમ ડીસા ડૅપો ખાતે કરણ દશરથભાઈ ઠાકોરની મદદે આવી પહોંચી. અને ચિલ્ડ્રન હોમ ખાતે લઇ ગઈ.આશા રાખીએ કે આ બાળક આવતીકાલના ભારતનું ભવિષ્ય બને જ બને!

Tuesday, May 10, 2016

બ્લોગકારી : એસટી બસમાં મુસાફરી દરમિયાન 'ક્લિક' થયેલો વિચાર

સુજ્ઞ વાચકો, અહીં ડૅપોની ગતિવિધિને અને એની તરેહતાસીરને રજૂ કરવાનો એકમાત્ર ઉપક્રમ છે. આશા છે કે એ આપ સૌને પણ ગમશે જ ! અલબત્ત, એસટી ડૅપો વિશે કંઇક નવું જોયાજાણ્યાનો, વાંચ્યાનો આનંદ પ્રકટ કરશો તો મારો રાજીપો પણ બેવડાશે...